યાત્રાધામ ડાકોરમાં નવરાત્રી દરમિયાન મધરાત્રિના સમયે અચાનક પરિસ્થિતિ વણસતાં લોહિયાળ અથડામણ થઈ હતી.સત્યમ સોસાયટી નજીક નવી નગરી વિસ્તારમાં અચાનક બે કોમના જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ શરૂ થયું હતું.જોતજોતામાં મામલો એટલો ગંભીર બન્યો કે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઉશ્કેરાટમાં તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર હુમલા કરવા લાગ્યા હતા.મધરાતના સુમારે તીક્ષ્ણ હથિયારો સાથે થયેલી આ હિંસક મારામારીને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.તીક્ષ્ણ હથિયારોથી કરવામાં આવેલા આ હુમલામાં બંને તરફથી લોકો ઘવાયા હતા અને એક મહિલા સહિત કુલ 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આસપાસના લોકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો
આ લોહિયાળ અથડામણના પગલે આસપાસના લોકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવા પ્રયાસો કર્યા હતાં.ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિની તબિયત અત્યંત નાજુક હોવાનું જણાતાં તેને વધુ સઘન સારવાર અર્થે તાત્કાલિક નડીઆદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અન્ય ચાર ઇજાગ્રસ્તોને પણ વધારે ગંભીર ઇજાઓ પહોંચી હોવાને કારણે વધુ સારવાર માટે તાકીદે નડીઆદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આમ કુલ પાંચ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નડીઆદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.બાકીના ઇજાગ્રસ્તો ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.
