દેશભરમાં સામાન્ય લોકોને રોકાણ, લોન કે ટાસ્ક ફ્રોડના નામે લૂંટતા આંતરરાષ્ટ્રીય સાઇબર ગુનેગારોના નાણાકીય વ્યવહારો સંભાળતા લોકલ નેટવર્ક પર ભુજ બોર્ડર રેન્જ સાઇબર પોલીસે ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. કચ્છના માધાપર વિસ્તારમાં રહેતા બે શખ્સો દ્વારા સાઇબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે ખાસ 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) ઓપરેટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે કાયદેસરની કલમો હેઠળ મુકેશ ગજરા અને રમેશ ભાનુશાલી નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
47 દિવસમાં કરોડોની એન્ટ્રી, એજન્સીઓ ચોંકી ઉઠી
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, આરોપીઓએ બેંકિંગ નિયમોની આંખમાં ધૂળ નાખીને 'આશાપુરા એન્ટરપ્રાઇઝ' નામની એક બોગસ વ્યાપારી પેઢી ઊભી કરી હતી. આ પેઢીના નામે સત્તાવાર કરન્ટ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. સાઇબર પોલીસે જ્યારે આ ખાતાના સ્ટેટમેન્ટનો ટેકનિકલ સર્વે કર્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. માત્ર ૪૭ દિવસની અંદર જ આ સિંગલ એકાઉન્ટમાં અલગ-અલગ જગ્યાએથી કુલ 7.74કરોડ જેટલી માતબર રકમ જમા થઈ હતી અને ક્ષણભરમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર પણ કરી દેવામાં આવી હતી.










