પૂર્વ કચ્છ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ની ટીમે માદક અને નશાકારક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. પૂર્વ કચ્છ પોલીસે એક સ્થાનિક કોલેજ નજીકથી દરોડો પાડીને રૂ.11.98 લાખની કિંમતના નશાકારક સીરપ અને પ્રતિબંધિત ટેબ્લેટ્સના જથ્થા સાથે હેમાંગ પ્રવીણ ગોકળાની નામના યુવકની અટકાયત કરી છે. વિસ્તારમાં નશાના દૂષણને જડમૂળથી ડામવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.

કોડેઇન સીરપ, ટ્રોમાડોલ અને નિટ્રાજેપેમ ગોળીઓનો જથ્થો જપ્ત

પોલીસે ઝડપાયેલા આરોપી હેમાંગ ગોકળાનીની સઘન તલાશી લેતાં તેની પાસેથી મોટી માત્રામાં પ્રતિબંધિત નશાકારક કોડેઇન સીરપ (Codeine Syrup) ની બોટલો તેમજ ટ્રોમાડોલ (Tramadol) અને નિટ્રાજેપેમ (Nitrazepam) નામની નશાકારક ગોળીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોપી કોલેજની આસપાસના વિસ્તારમાં આટાફેરા મારીને યુવાનો અને વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવી આ ગેરકાયદેસર નશાકારક દવાઓનું વેચાણ કરવાની ફિરાકમાં હતો, પરંતુ SOG ની સતર્કતાથી તેનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

પૂર્વ કચ્છ SOG એ આરોપી હેમાંગ ગોકળાની વિરૂદ્ધ નાર્કોટિક્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની વિધિવત અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશાકારક દવાઓ અને સીરપનો આટલો મોટો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેમજ સ્થાનિક સ્તરે કોને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. કોલેજ નજીકથી બનેલી આ ઘટનાને પગલે પોલીસે આ કાળા કારોબારના મુખ્ય આકાઓ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabadમાં હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ! 3 બાળકો રેસ્ક્યૂ, સગીરો પાસે મજૂરી કરાવતા 2 નરાધમો જેલભેગા