કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ બનેલી એક રહસ્યમય હત્યાની ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. થોડા સમય અગાઉ આડેસર વિસ્તારના એકલધાર પાસેથી એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેનો કોઈ પત્તો લાગતો ન હતો. આ બે મહિના જૂના વણઉકેલાયેલા અંધ કતલ કેસને ઉકેલવા માટે કચ્છ પોલીસ દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આંતરરાજ્ય તપાસ અને ટેકનિકલ પુરાવાઓના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાંથી મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
પ્રેમિકા અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા
પોલીસ તપાસમાં બહાર આવેલા ખુલાસાઓ અત્યંત ચોંકાવનારા છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા અને આરોપી વચ્ચેના સંબંધોમાં વહેમની દીવાલ ઊભી થઈ હતી. આરોપીને પ્રેમિકા અન્ય કોઈ વ્યક્તિ સાથે ફોન પર કે અન્ય રીતે વાત કરતી હોવાની પ્રબળ શંકા ગઈ હતી. આ શંકા અને આવેશમાં આંધળા બનેલા આરોપીએ મહિલાની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને પુરાવા મિટાવીને ઉત્તર પ્રદેશ તરફ ભાગી છૂટ્યો હતો.
