કચ્છ જિલ્લાના મુન્દ્રા પંથકમાં અબોલ પશુઓની સુરક્ષાને લઈને આંખ ઉઘાડનારી અને અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મુન્દ્રા નજીક આવેલ સિરાચા અને નવીનાળ ગામ વચ્ચે સ્થિત બાળબ્રહ્માણી ફાટક પાસે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી એક ઝડપભેર માલગાડીની અડફેટે આવી જતાં 17 થી વધુ ગૌવંશના કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતાં જ સમગ્ર વિસ્તારના પશુપ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.
માલધારી સમાજ અને પશુપ્રેમીઓમાં રોષ
બાળબ્રહ્માણી ફાટક નજીક એકસાથે 17 થી વધુ ગૌવંશ કાળનો ગ્રાસ બનતાં સ્થાનિક માલધારી સમાજ અને પશુપ્રેમી સંગઠનોમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. માલધારી સમાજના અગ્રણીઓએ રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે સીધા જ ગંભીર સવાલો ખડા કર્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં રેલવે લાઇન નજીક અબોલ પશુઓની સુરક્ષા માટે કોઈ નક્કર આયોજન કરવામાં ન આવતું હોવાના કારણે આજે આટલા મોટા પ્રમાણમાં નિર્દોષ જીવોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
