ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા વરસોડા ગામે જૂની તકરારની અદાવતમાં મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના બની છે. જેમાં અગાઉ થયેલા ડીજે સાઉન્ડના સામાન્ય ઝઘડાની અદાવત રાખીને આઠ જેટલા શખ્સોએ હથિયારો સાથે ખૂની હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન થયેલા ફાયરિંગમાં ફરિયાદી યુવકના પગના ભાગે ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

ડીજે સાઉન્ડ વગાડવા બાબતે બોલાચાલી

પોલીસના જણાવ્યા અનુસાર માણસા તાલુકાના વરસોડા ગામમાં ગત 18 તારીખના રોજ ફરિયાદી અરવિંદ ચાવડા અને આરોપી દિગ્વિજય ચાવડા વચ્ચે ડીજે સાઉન્ડ વગાડવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

દિગ્વિજયસિંહે સીધું ફાયરિંગ કર્યું 

આ સામાન્ય બાબતની તકરારનું મનદુઃખ મનમાં રાખીને ગઈકાલે રાત્રિના સમયે દિગ્વિજયસિંહ ચાવડા અને તેની સાથેના અન્ય 7 જેટલા લોકો ભેગા મળીને હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદી પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. 

અરવિંદ ચાવડાના પગના ભાગે ઈજા 

આ હિંસક ઝઘડા અને હુમલા દરમિયાન આરોપી દિગ્વિજયસિંહે પોતાની પાસે રહેલા હથિયારમાંથી સીધું ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ફરિયાદી અરવિંદ ચાવડાના પગના ભાગે ઈજા પહોંચતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટના બન્યા બાદ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત બનેલા ફરિયાદી અરવિંદ ચાવડાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની તબીબી સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે પોલીસે ભોગ બનનાર ફરિયાદીની વિગતવાર ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

ગામમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સતર્કતા દાખવી છે. ફાયરિંગની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ આરોપીઓને તાબડતોબ પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં પોલીસે અલગ અલગ 5 જેટલી ટીમો બનાવીને ફરાર થઈ ગયેલા દિગ્વિજયસિંહ સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે સંભવિત સ્થળો પર સઘન શોધખોળ અને તપાસ તેજ કરી છે.  


આ પણ વાંચો  :  Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..