ગુજરાતમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક યુવક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને ઠગાઈની જાળમાં ફસાયો છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ઋત્વિક નામનો યુવક પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને અમેરિકા (US) જવાના સ્વપ્ન સાથે ઘર છોડીને નીકળ્યો હતો. એજન્ટોના પ્લાન મુજબ તેને પહેલા જયપુર લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તેને સીધો આફ્રિકન દેશ ઇથોપિયા મોકલી આપવામાં આવ્યો હતો. વિદેશ પહોંચીને પરિવારને ખુશખબર આપવાને બદલે ઋત્વિક અચાનક ગાયબ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
બાબા ખાનનો ખંડણી કૉલ
ઋત્વિક ઇથોપિયા પહોંચ્યાના થોડા જ સમયમાં તેના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 'બાબા ખાન' નામના કોઈ અજાણ્યા વ્યક્તિએ પરિવારજનોને ફોન કરીને ધમકી આપી હતી અને ઋત્વિકને સહીસલામત છોડવાના બદલામાં Rs. 1 કરોડ ની મસમોટી ખંડણીની માંગણી કરી હતી. આ સમાચાર મળતાં જ 'સંદેશ ન્યૂઝ'ની ટીમ તાત્કાલિક વડસ્મા ગામે પહોંચી હતી અને ગ્રાઉન્ડ ઝીરો પરથી પરિવારની દર્દનાક પરિસ્થિતિ અને તેમની આપવીતી કવર કરી હતી. પરિવારજનો અત્યારે ભારે આઘાત અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
