મહેસાણા એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા નોંધવામાં આવેલા લાંચના એક ચર્ચિત કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે મહત્વનો અને આકરો ચૂકાદો આપ્યો છે. કોર્ટે આરોપી અને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ભીખુભા મનુભા વાઘેલાને દોષિત ઠેરવીને 4 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત, વિસનગરની સ્પેશ્યલ કોર્ટે દોષિત આરોપીને રૂ. 35 હજારનો રોકડ દંડ પણ ફટકાર્યો છે.

પ્રોહિબિશન કેસમાં રાહત આપવા માંગી હતી રૂ. 7 હજારની લાંચ

આ સમગ્ર કેસની વિગત અનુસાર, આરોપી ભીખુભા વાઘેલા વર્ષ 2019માં બ્રાહ્મણવાડા આઉટ પોસ્ટ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાા હતા. તે સમયે ફરિયાદીના પરિવારના એક સભ્ય વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હતો. આ કેસની તપાસમાં હેરાન ન કરવા, કોર્ટમાં ચાર્જશીટ ઝડપથી રજૂ કરવા અને જામીન અરજી દરમિયાન રાહત આપવાના બદલામાં આરોપી કોન્સ્ટેબલે રૂ. 7 હજારની લાંચની માંગણી કરી હતી.

ACB ના છટકામાં પકડાયા બાદ કોર્ટે સંભળાવી સજા

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા ACB નો સંપર્ક કર્યો હતો. વર્ષ 2019માં ગોઠવાયેલા ACB ના સફળ છટકામાં આરોપી ભીખુભા વાઘેલા રૂ. 7 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ કેસમાં સામેલ અન્ય એક આરોપી જસવંતસિંહ પરમારનું ટ્રાયલ દરમિયાન અકાળે મૃત્યુ થયું હતું. વિસનગરની સ્પેશ્યલ કોર્ટે કેસના તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી ભીખુભા વાઘેલાને કાનૂની પાઠ ભણાવતા સજાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો : Suratમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ તંત્ર હરકતમાં, રાજ્યભરની હોટલ-રેસ્ટોરન્ટમાં 3 દિવસ કડક ચેકિંગના આદેશ