મહેસાણામાં મહિલાના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાએ ફલેટમાં પાંચમા માળ પરથી પડતું મૂકયું. નીચે જમીન પર પટકાતા મહિલાના માથા પર ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. આ બનાવને લઈને ઘટનાસ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ. લોકોએ બાબતની પોલીસને જાણ કરી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
આરુષ હાઇટ્સ પરથી મહિલાની મોતની છલાંગ
મળતી માહિતી મુજબ મહેસાણામાં મહિલાએ આપઘાત કર્યાની ઘટના ગતરોજ સવારના સમયે બનવા પામી હતી. દેદીયાસણ જીઆઇડીસીના રહેણાંક વિસ્તારની આ ઘટના છે. જ્યાં આરુષ હાઇટ્સ એપાર્ટમેન્ટના ધાબા ઉપરથી મહિલા ઝંપલાવ્યું. પાંચ માળ ઊંચા ફ્લેટના ધાબા ઉપરથી મહિલાએ મોતની છલાંગ લગાવી. બનાવની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે આપઘાત કરનાર મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે આ મામલાની પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે આ મહિલા આરુષ હાઈટસમાં નહોતી રહેતી. પરંતુ આ મહિલા આરુષની બાજુની સોસાયટીમાં પોતાના ભાઈના ત્યાં આવી હતી. મહિલા સોસાયટી માં પ્રવેશતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. મહિલાના આપઘાત મામલે પોલીસ તપાસ કરશે કે કયા કારણોસર તેણે આ અંતિમ પગલું ભર્યું, અથવા તો ખરેખર મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ શખ્સ દ્વારા તેને ધક્કો મારવામાં આવ્યો છે જેવા વગેરે કારણોને લઈને હાલ પોલીસ સંબંધિત લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં મહિલાના મોતનું સાચું કારણ સામે આવશે.