સમગ્ર દેશ જ્યારે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીમાં ડૂબેલો હતો, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં એક ગંભીર અને હૃદયદ્રાવક ઘટના બની હતી, જેના કારણે તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. પડોશીના સામાન્ય ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા એક 20 વર્ષીય યુવાનની પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી હતી.
વાંકાનેરના નવાપરામાં યુવાનની હત્યા
મળતી માહિતી મુજબ, દિવાળીના દિવસે વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પડોશમાં રહેતા વિપુલભાઈ સાથાલીયા સાથે કેટલાક શખ્સો ઝઘડો કરી રહ્યા હતા. આ સમયે 20 વર્ષીય ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (Dhruv Prafullbhai Kervadiya) સહિતના અન્ય પડોશીઓ આ ઝઘડામાં સમજાવટ કરવા માટે વચ્ચે પડ્યા હતા. સમજાવટ દરમિયાન મામલો વધુ ઉગ્ર બન્યો અને આરોપીઓએ ધ્રુવ કેરવાડીયા સહિતના લોકોને ઢીકા-પાટુંનો માર મારવાનું શરૂ કર્યું હતું.
મૃતકના પિતાની 4 આરોપી સામે ફરિયાદ
આ ઝઘડામાં, આરોપી સાહિલ દિનેશભાઈ વિંજવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલભાઈ રમેશભાઈ કોળી, કાનો દેગામાં સહિતના કુલ પાંચ શખ્સોએ ધ્રુવ કેરવાડીયા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ ધ્રુવ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો ગંભીર ઘા માર્યો, જેના કારણે યુવાન ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
આ કરૂણ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પ્રફુલ્લભાઈ કેશુભાઈ કેરવાડીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્રની માત્ર પડોશીના ઝઘડામાં સમજાવટ કરવા જવાના કારણે નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે.મોરબી વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધીને હત્યા કરનાર ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વાંકાનેર પંથકમાં ભારે ચકચાર જગાવી છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.