મોરબી શહેરના રેનબસેરા વિસ્તારમાં આવેલી નગરપાલિકા (મનપા) કચેરીમાંથી મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના મનપા કચેરીના અગત્યના ગણાતા જન્મ-મરણ દાખલા વિભાગમાં બની હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ વીડિયો મુજબ, કચેરીના એક કર્મચારી દ્વારા કોઈક બાબતે માથાકૂટ કરીને એક યુવાનને જાહેરમાં થપ્પડ મારવામાં આવી હતી.
સરકારી કામમાં ગેરવર્તન
આ ઘટનાને કારણે કચેરીમાં હાજર અન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ બનાવમાં કર્મચારી અને યુવક વચ્ચે શા માટે બબાલ થઈ તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સરકારી કચેરીમાં જ્યાં નાગરિકોને સેવા આપવાની હોય ત્યાં ખુલ્લેઆમ કર્મચારી દ્વારા યુવાનને માર મારવાની ઘટનાએ વહીવટી તંત્રની કાર્યશૈલી અને કર્મચારીના ગેરવર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જોકે, સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. ઘટના અંગે મનપા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા છે કે કેમ તે અંગેની વિગતો જાણવા માટે આગળની તપાસ જરૂરી છે.













