મોરબીમાં 23 વર્ષ અગાઉ થયેલા હત્યા અને લૂંટના એક સનસનાટીભર્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. વર્ષ 2002માં થયેલા આ ગુનામાં ફરાર થયેલો મુખ્ય આરોપી હવે ઉત્તર પ્રદેશના મથુરા ખાતે સાધુના વેશમાં રહેતો હતો, જેને મોરબી એલસીબીની ટીમે દબોચી લીધો છે. આ આરોપીનું નામ પ્રેમસીગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ છે, જેણે પોતાના ગુનાહિત ઇતિહાસ પર પડદો પાડવા માટે ભગવા વસ્ત્રો ધારણ કરી ધર્મગુરૂનું રૂપ લઈ લીધું હતું. મોરબી પોલીસની આ કામગીરી સરાહનીય છે, કારણ કે આટલા લાંબા સમય બાદ પણ ગુનેગારને કાયદાના સકંજામાં લાવવામાં આવ્યો છે.
ત્રાજપર ખારીનો ચકચારી કેસ
આ ગુનો 7-5-2002ના રોજ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બન્યો હતો. આરોપી પ્રેમસીગ ઉર્ફે ગુફુ અને તેના સાથીદાર સોનલ ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવર પરમારે વૃદ્ધા ચંપાબેનને ગળેટૂંપો દઈને તેમની નિર્મમ હત્યા કરી હતી અને તેમના ઘરેણાંની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ સંદર્ભે તે સમયે મોરબી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 23 વર્ષ સુધી આ આરોપી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો અને ઉત્તર ભારતમાં પોતાનો વેશ બદલીને છુપાયેલો હતો.













