ગાંધીના ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે. અગાઉ ભાવનગર લઠ્ઠાકાંડ જેવી ગંભીર હોનારત સર્જાયા બાદ પણ અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. નવસારીના પ્રસિદ્ધ ઉંભરાટ ગામમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા પોતાની મોપેડ (સ્કૂટી) પર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ખુલ્લેઆમ લઈને જતી કૅમેરામાં કેદ થઈ છે.
સ્થાનિક યુવાનોએ મહિલાને અટકાવી
ઉંભરાટ ગામમાં મોપેડ સવાર મહિલા જ્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને પ્રવેશી રહી હતી ત્યારે ગામના જાગૃત સ્થાનિક યુવાનોની નજર તેના પર પડી હતી. યુવાનોએ તુરંત જ મહિલાને અટકાવી હતી અને ગામમાં દારૂનો જથ્થો ઘુસાડવા સામે સખત વિરોધ દર્શાવી તેને રોકી હતી. સ્થાનિક યુવાનોએ આ સમગ્ર ઘટનાનું પોતાના મોબાઈલ કેમેરામાં શૂટિંગ કરી લીધું હતું. મોપેડ પર દારૂનો જથ્થો લઈને જતી મહિલાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
