નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા જ કાયદાનો ભંગ કરીને લાંચ માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખેરગામ પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેરગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિવ્યેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોન્સ્ટેબલે દારૂના એક ગુનામાં પકડાયેલા ફરિયાદીને માર ન મારવા અને કેસમાં મદદ કરવાના બદલામાં ₹1,00,000/- (એક લાખ રૂપિયા)ની લાંચની માંગણી કરી હતી.


કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

આ અંગેની ફરિયાદ ACBને મળતા, વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ. એન. ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચનું આ ટ્રેપ ખેરગામ પોલીસ સ્ટેશનના પહેલા માળ પર આવેલા કોમ્પ્યુટર રૂમમાં ગોઠવવામાં આવ્યું હતું.

લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું

યોજના મુજબ, કોન્સ્ટેબલ દિવ્યેશ પટેલ લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક, ACB સુરત એકમ, આર. આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. ACB દ્વારા લાંચ લેનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

  • Follow us on: