નવસારી જિલ્લામાં વર્ષોથી બંધ પડેલી એક રાઇસ મિલમાંથી મળી આવેલા બે મહિલાઓના મૃતદેહના મામલે પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા બંને હત્યાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને હત્યારા આરોપી ફૈઝલ પઠાણને ઝડપી પાડ્યો છે.નવસારી નજીક હાઇવે પર આવેલી અને લાંબા સમયથી બંધ પડેલી એક રાઈસ મિલમાંથી બે મહિલાઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી હતી.
નવસારીમાં પત્ની-પ્રેમિકાની હત્યા કરનાર ઝડપાયો
પોલીસે ઝડપી પાડેલા હત્યારા આરોપીનું નામ ફૈઝલ પઠાણ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ફૈઝલ પઠાણે જે બે મહિલાઓની હત્યા કરી હતી, તેમાં તેની પત્ની અને તેની પ્રેમિકાનો સમાવેશ થાય છે.આરોપીએ બંધ પડેલી રાઈસ મિલમાં જ આ બેવડી હત્યાને અંજામ આપ્યો હતો. આરોપી ફૈઝલ પઠાણ રખડતું જીવન ગુજારતો હોવાથી તેને પકડવાનું પોલીસ માટે પડકારજનક હતું. નવસારી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ શરૂ કરી હતી. હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી.










