નવસારીમાં આંગડિયા પેઢીના કર્મચારી તરીકેની ઓળખ આપીને જ્વેલર્સને છેતરતી એક ઠગ ટોળકીનો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે મહેસાણાની આ ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત એક સાગરીતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઠગાઈનો ભોગ નવસારીના એક જ્વેલર્સ માલિક બન્યા હતા, જેમણે માત્ર રૂપિયા 1,250 બચાવવાની લાલચમાં આ ઠગ ટોળકીને રૂપિયા 25 લાખ આપી દીધા હતા અને છેતરાયા હતા. જ્વેલર્સની ફરિયાદને પગલે નવસારી LCBની ટીમે તપાસ શરૂ કરી હતી.
ઠગાઈની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની રીત) ચોંકાવનારી હતી, ટોળકીના સભ્યો ગૂગલ અને જસ્ટ ડાયલ જેવી ઓનલાઈન ડિરેક્ટરીમાંથી જ્વેલર્સ માલિકોનો ડેટા મેળવતા હતા. ત્યારબાદ તેઓ પોતાને જાણીતી આંગડિયા પેઢીના કર્મચારી તરીકે ઓળખ આપી જ્વેલર્સનો સંપર્ક કરતા હતા. તેઓ સામાન્ય દરો કરતાં સસ્તા ભાવે આંગડિયું (નાણાં ટ્રાન્સફર) કરી આપવાની લાલચ આપી જ્વેલર્સને વિશ્વાસમાં લેતા હતા.
પોલીસે કેવી રીતે ઝડપી પાડી?
નવસારી LCBની ટીમે મહેસાણાની આ ઠગ ટોળકી અંગે ચોક્કસ બાતમી મેળવી હતી. બાતમીના આધારે, જ્યારે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર અને તેના સાગરીત મહેસાણાથી મુંબઈ તરફ ભાગી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. નવસારી પોલીસે હવે આ ઠગ ટોળકીએ અગાઉ અન્ય કેટલા જ્વેલર્સ કે વેપારીઓને આ જ રીતે છેતર્યા છે, તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરી છે.