પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરશન સોસાયટીમાં રહેતા અને કાલોલ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા સુરસિંહ રાઠોડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક તલાટી મૂળ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના વતની હતા અને હાલ ગોધરા ખાતે પોતાની સોસાયટીમાં પરિવાર સાથે નિવાસ કરતા હતા.
પિતાને ફોન કરી આપઘાતની વાત કરી, રક્ષાબંધને થયો હતો વિવાદ
મરણજનાર તલાટી સુરસિંહ રાઠોડે આ આત્યંતિક અને કરૂણ પગલું ભરતા પહેલા પોતાના પિતાને ફોન કર્યો હતો. ફોન પર તેમણે પોતે જીવન ટૂંકાવી રહ્યા હોવાની વાત પિતા સમક્ષ કરી હતી. પરિવારજનો કંઈ સમજે કે બચાવવા માટે પહોંચે તે પહેલાં જ તેમણે ગળેફાંસો ખાઈ લીધો હતો. મળતી વિગતો મુજબ, તાજેતરમાં જ રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન પરિવારમાં કોઈ બાબતે ઉગ્ર વિવાદ થયો હતો. આ પારિવારિક મનદુઃખ અને કૌટુંબિક કલેશના કારણે જ તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
