પાટણ એલ.સી.બી.એ આંતરરાજ્ય લૂંટના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં થયેલી 64 લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલી પોલીસે પાટણમાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાટણ-સિદ્ધપુર હાઇવે પર રશિયનનગર નજીક વોચ ગોઠવીને ઉત્તર પ્રદેશ નંબરની એક્સયુવી-500 કારમાં સવાર ત્રણેય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
રશિયનનગર નજીક પોલીસની વોચમાં ઝડપાયા
પાટણ એલ.સી.બી.એ પાટણ-સિદ્ધપુર હાઇવે પર રશિયનનગર નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ નંબરની એક્સયુવી-500 કારમાં પસાર થઈ રહેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં ત્રણેયની લખનઉમાં થયેલી આંગડિયા લૂંટના ગુનામાં સંડોવણી સામે આવી હોવાનું જણાવાયું છે.
64 લાખ રોકડા સહિત મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી 64 લાખ રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત 5 મોબાઈલ ફોન અને આશરે 10 લાખની કિંમતની એક્સયુવી-500 કાર પણ કબજે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ 74.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પાટણ અને મહેસાણાના રહેવાસી છે આરોપીઓ
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાટણ અને મહેસાણા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઉત્તર પ્રદેશમાં અગાઉ અન્ય 2 લૂંટની ઘટનાઓમાં પણ સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસને સોંપાયા
પાટણ એલ.સી.બી.ની કાર્યવાહીથી આંતરરાજ્ય લૂંટ ગેંગની સંડોવણીનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને વધુ તપાસ માટે પાટણ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. હવે પોલીસ દ્વારા લૂંટના ગુનાની વધુ વિગતો અને અન્ય ગુનાઓમાં આરોપીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ