આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા પૂર્વે પાટણ પોલીસ અને એલસીબીની ટીમે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે. પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારો બનાવતી એક આખી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

હથિયાર ઉત્પાદન નેટવર્ક પોલીસના હાથે ઝડપાઈ ગયું 

રથયાત્રા દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી, જે દરમિયાન આ ગેરકાયદેસર હથિયાર ઉત્પાદન નેટવર્ક પોલીસના હાથે ઝડપાઈ ગયું છે. આ મોટી કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દેશી કટ્ટા (તમંચા), 4 જીવતા કારતૂસ મળ્યા

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાટણ એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ઘટનાસ્થળેથી 5 દેશી કટ્ટા (તમંચા), 4 જીવતા કારતૂસ અને ફેક્ટરીમાં હથિયારો બનાવવા માટે વપરાતો લોખંડનો તમામ કાચો માલ અને સરસામાન જપ્ત કર્યો છે.

6 જેટલા આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી

પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 6 જેટલા આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. જોકે, આ આખી ગેરકાયદે ફેક્ટરી ચલાવતો મુખ્ય સૂત્રધાર સહિત અન્ય બે આરોપીઓ પોલીસ રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

મુખ્ય આરોપી ફરાર

આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે, જે મુખ્ય આરોપી હાલ ફરાર છે તે અગાઉ પણ હથિયારો બનાવવાના ગંભીર ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને જેલના સળિયા પાછળ જઈ આવ્યો છે. આ સિવાય ફરાર થયેલા બંને ગુનેગારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે અલગ-અલગ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસ તપાસ શરુ 

હાલમાં પાટણ પોલીસે પકડાયેલા તમામ 6 આરોપીઓના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ હથિયારો કોને સપ્લાય કરવાના હતા, તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ અને અત્યાર સુધી ક્યાં-ક્યાં હથિયારો વેચવામાં આવ્યા છે, તે તમામ સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રથયાત્રા પૂર્વે આ ઓપરેશન સફળ થતાં પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. 


આ પણ વાંચો :   Gujarat Latest News Live : સુરતની ભયાવહ સ્થિતી, અનેક વિસ્તારો ડુબી ગયા, જનજીવન અસ્ત વ્યસ્ત