ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર દ્વારા પાટણ જિલ્લામાં દારૂ પીવાના કારણે 2 યુવાનોના મોત થયા હોવાના અને LCB પોલીસ પર લગાવવામાં આવેલા ગંભીર આક્ષેપો સામે પાટણ પોલીસ વડાએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે. પોલીસ તંત્ર દ્વારા લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂ પીવાથી મોત થયાની બાબતને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે.
બંને મોતના કિસ્સા 4-5 દિવસ જૂના અને અલગ-અલગ કારણ
પાટણ SP દ્વારા આપવામાં આવેલી સત્તાવાર સ્પષ્ટતા મુજબ, જિલ્લામાં કોઈ પણ પ્રકારના લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂ પીવાથી મોત થવાની ઘટના બની નથી. મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ અલગ-અલગ ગામના રહેવાસી હતા અને તેમના મોત આજકાલમાં નહીં પરંતુ 4 થી 5 દિવસ અગાઉ થયા હતા. આ ઘટના અંગે અગાઉ પરિવારો કે હોસ્પિટલ તરફથી પોલીસને દારૂ પીવાથી મોત થયું હોવાની કોઈ જાણ કરવામાં આવી ન હતી.
ગામોમાં નથી કોઈ લિસ્ટેડ બુટલેગર કે દારૂનું વેચાણ
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, જે ગામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બંને ગામોમાં દારૂનું કોઈ ગેરકાયદે વેચાણ થતું નથી. આ ઉપરાંત આ ગામોમાં પોલીસ રેકોર્ડ પરનો કોઈ પણ લિસ્ટેડ બુટલેગર સક્રિય નથી. ધારાસભ્ય દ્વારા કેનાલ પર દારૂ વેચાતો હોવાના કરાયેલા આક્ષેપો બાદ પોલીસે સ્થાનિક સ્તરે તપાસ વધુ સઘન બનાવી છે.
છેલ્લા 1 મહિનામાં પ્રોહિબિશનના 696 કેસ, રૂ. 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસની કામગીરી પર ઉઠેલા સવાલોનો જવાબ આપતાં તંત્ર દ્વારા આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસે દારૂબંધીના કડક અમલ માટે છેલ્લા 1 મહિના દરમિયાન જ વિદેશી અને દેશી દારૂ સામે આકરી કાર્યવાહી કરી છે.
- પ્રોહિબિશન કેસો: છેલ્લા 1 મહિનામાં કાયદાના ભંગ બદલ કુલ 696 પ્રોહિબિશનના કેસો નોંધવામાં આવ્યા છે.
- મુદ્દામાલ જપ્તી: દારૂ અને વાહનો સહિત કુલ રૂ. 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરો સામે આકરાં પગલાં લેવાયા છે.
પોલીસ તંત્રએ જણાવ્યું છે કે, પાટણ જિલ્લામાં દારૂબંધીનું કડક પાલન કરાવવા માટે ઝુંબેશ સતત ચાલુ જ છે અને ભ્રામક અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
આ પણ વાંચો - Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ