શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેકાબુ બનેલા લુખ્ખા શખ્સો સામે પોલીસે શરૂ કરેલા અભિયાન દરમિયાન વધુ એક ગેંગ સામે કડક કાર્યવાહી કરી છે.લૂંટ, અપહરણ,ખૂનની કોશિશ,ફરજમાં રુકાવટ સહિતના 89 ગુનામાં સામેલ મોરબી રોડ ઉપરની ઈભલા ગેંગના 7 શખસો સામે ક્રાઈમ બ્રાંચે ગુજસીટોકનો ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે.સૂત્રધાર સહિતના બે શખસોનો જેલમાંથી કબજો મેળવવા અને વધુ આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.

પોલીસે કુખ્યાત આરોપી સામે તપાસ કરી

ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષ દરમિયાન વેપારી અને સામાન્ય લોકોને નિશાન બનાવી મારામારી, લૂંટ, અપહરણ,ખૂનની કોશિશ સહિતના ગુના આચરવામાં આવ્યા હતા. એમાં પકડાયેલા આરોપીઓની પુછતાછ કરી અલગ અલગ જેલ હવાલે કરવાની વિશેષ કાર્યવાહી પોલીસે કરી છે.ખાસ કરીને જે વિસ્તારોમાં ગેંગનો આતંક હતો ત્યાં હવે શાંતિ સ્થપાય તેવી લોકોમાં આશા જાગી છે.પોલીસે હજુ ત્રણ જેટલી ગેંગ સામે ગુજસીટોક સહિતના પગલા લેવા તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર ખાટકી વાસમાં રહેતો શખસ છેલ્લા કેટલાક સમયથી ધાક ઊભી કરવા ટોળકી સાથે મળી વિવિધ ગંભીર ગુનાઓ આચરતો હોવાની ફરિયાદોના આધારે પોલીસ કમિશનર બજેશ કુમાર ઝાના આદેશથી પોલીસે કુખ્યાત આરોપી સામે તપાસ કરી હતી.

89 ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવ્યું

જેમાં છેલ્લા 10 વર્ષમાં ઈભલા ઉપરાંત સલીમ કરીમ કાથરોટીયા, મહેબુબ, ફિરોજ, જાવેદ, અશરફ અને લખન સહિતની ટોળકીએ ખૂનની કોશિશ, ગેરકાયદે પ્રવેશ, અપહરણ, ફરજમાં રુકાવટ, હથિયાર,એટ્રોસીટી, દારૂ, જુગાર સહિત 89 ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવતા પોલીસે ઈભલા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી આરોપી સલીમ ઉર્ફે સલીયો કરીમ કાથરોટીયા, મહેબુબ ઉર્ફે મેબલો કરીમ કાથરોટીયા, અશરફ કરીમ કાથરોટીયા અને રેલનગરમાં રહેતો લખન વિક્રમ કમેજડીયાની ધરપકડ કરી હતી.પોલીસની તપાસમાં આ ગેંગનો સુત્રાધાર ઈબાઈમ ઉર્ફે ઈભલો કરીમ કાથરોટીયા હત્યાની કોશીષના ગુનામાં સેન્ટ્રલ જેલમાં અને તેનો ભાઈ જાવેદ મોરબી જેલમાં હોય બન્ને આરોપીઓના જેલમાંથી કબજો મેળવવા તેમજ ફિરોજ સહિતના આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.


આ પણ વાંચોઃ Weather Update: ભરઉનાળે ચોમાસુ, હવામાન વિભાગે ફરી કર્યા એલર્ટ, જાણીલો કેવુ રહેશે તાપમાન?