રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ભક્તિનગર સર્કલ નજીક આવેલી કોલેજીયન પાન નામની દુકાન પાસે ધોળા દિવસે એક યુવાન પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે વિમલ પર છરીના એક પછી એક ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સનસની ફેલાઈ ગઈ હતી.
ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા, તબીબોએ મૃત જાહેર કર્યા
ઘટનાની જાણ થતા જ ગંભીર ઇજાગ્રસ્ત બનેલા 27 વર્ષીય વિમલ વાણીયા નામના યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસીને વિમલ વાણીયાને મૃત જાહેર કર્યા હતા. યુવાનના અચાનક મોતથી પરિવારમાં ભારે રોષ અને આક્રંદ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બનાવ સંદર્ભે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

