રાજકોટ શહેરના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા માર્ગ પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે શનિવારે સાંજે સાડા છ વાગ્યાના સુમારે સરેરાહ સનસનાટી મચી ગઈ હતી. ઓઇલ એન્જિનના વ્યવસાય સાથે સંકળાયેલા 42 વર્ષીય ઘનશ્યામસિંહ વાઘેલા પોતાના મિત્ર પ્રહલાદસિંહ જાડેજા અને સંદીપસિંહ સાથે કારમાં બેઠા હતા. આ દરમિયાન કાળા કપડાં પહેરેલો એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને ઘનશ્યામસિંહને બહાર આવવા કહ્યું હતું.
ભક્તિનગર સર્કલ પાસે લોહિયાળ ખેલ!
ઘનશ્યામસિંહ કારમાંથી નીચે ઉતરતાં જ પાછળથી ધસી આવેલા કૌટુંબિક ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમની છાતી, હાથ, ખભા, વાસા અને પડખાના ભાગે છરીના 6 થી 7 જેટલા ઊંડા ઘા ઝીંકી દીધા હતા. સાથે રહેલા મિત્રોએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામસિંહને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ભક્તિનગર પોલીસે બનાવ અંગે BNS ની કલમ 103(1) (હત્યા) નો ઉમેરો કરીને કાનૂની કાર્યવાહી કરી છે.
કથિત અનૈતિક સંબંધોની શંકાએ ઝઘડો થયો
બે વર્ષ અગાઉ નવરાત્રિમાં ધોરાજીના ભાડેર ગામે મૃતક ઘનશ્યામસિંહ અને આરોપીના મોટાભાઈની પત્ની (ભાભી) વચ્ચેના કથિત અનૈતિક સંબંધોની શંકાએ ઝઘડો થયો હતો. ત્યારે ધર્મેન્દ્રસિંહે મૃતક અને તેમના પિતા પર હુમલો કર્યો હતો, જેનો કેસ પાટણવાવ પોલીસ મથકે નોંધાયો હતો અને હાલ ધોરાજી કોર્ટમાં ચાલુ છે. આ વિવાદ બાદ ધર્મેન્દ્રસિંહના મોટાભાઈએ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. આરોપી પક્ષ કેસમાં સમાધાન માટે દબાણ કરતો હતો પરંતુ મૃતકનો પરિવાર તૈયાર નહોતો.
આરોપીની પોલીસે અટકાયત કરી
1 ઓગસ્ટના રોજ હુમલો કરનાર ધર્મેન્દ્રસિંહે અઠવાડિયા અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે ઘનશ્યામસિંહ તેને ફોન પર ધમકીઓ આપી પરિવારને નુકસાન પહોંચાડી શકે છે, જેથી ડરના માર્યા તેણે ઘર પણ બદલ્યું હતું.ભક્તિનગર પોલીસ હાલ પકડાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સઘન પૂછપરછ કરી રહી છે. તેમજ હુમલા વખતે તેની સાથે રહેલો આશરે ૩૦ વર્ષનો અજાણ્યો શખ્સ કોણ હતો અને તેની શું ભૂમિકા હતી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Bhuj: જિલ્લા પંચાયત ગેટ પાસે જ એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો