રાજકોટ જિલ્લા જેલમાંથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળીની રાત્રે દુષ્કર્મના ગુનાનો આરોપી રાહુલ સાગઠીયા જેલ ગાર્ડની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ જેલ તંત્રમાં હડકંપ મચી ગયો હતો, પરંતુ શરૂઆતમાં મામલાને દબાવી દેવાના પ્રયાસો થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બે ગાર્ડને સસ્પેન્ડ કરાયા, અધિકારીઓ સામે મૌન 

કેદી ફરાર થવાની ઘટનામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ સજાના ભાગરૂપે બે ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, સમગ્ર મામલે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે તંત્ર દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઊઠ્યો છે, જેને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

ફરાર આરોપી રાહુલ સાગઠીયા પકડાઈ જતા સત્તાવાર જાહેરાત

દિવાળીની રાત્રે ફરાર થયેલા દુષ્કર્મના આરોપી રાહુલ સાગઠીયાને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી હતી. આખરે ફરાર કેદી રાહુલ સાગઠીયા પકડાઈ જતા પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કેદીના ભાગવાથી લઈને તેને ફરી ઝડપી લેવા સુધીની સમગ્ર ઘટનાએ રાજકોટમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો