રાજકોટ શહેર પોલીસ અગાઉ પણ નાણાકીય લેતીદેતી અને જમીનના હવાલા પાડી આપવાના મામલે બદનામ થઈ ચૂકી છે, ત્યારે ફરી એકવાર આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ ગંભીર આક્ષેપોથી ઘેરાયા છે. શુક્લ પીપળીયા ગામની રૂ. 1.62 કરોડની જમીનના નાણાકીય વિવાદમાં EOW ના વિવાદિત PSI અશ્વિન ગળચર અને ASI મલેક સામે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

2019થી અટવાયેલા રૂ. 1.17 કરોડ મેળવવા EOWમાં થઈ હતી અરજી

કેસની વિગતો મુજબ, શુક્લ પીપળીયા ગામની રૂ. 1.62 કરોડની જમીન કિશોર બાબીયા નામના વ્યક્તિએ નરોત્તમ તળપદાને વેચી હતી. આ સોદા પેટે રૂ. 45 લાખ ચુકવાયા હતા, જ્યારે બાકીના રૂ. 1.17 કરોડ વર્ષ 2019 થી હજુ સુધી મળ્યા ન હતા. આ બાકી નીકળતી રકમ મેળવવા માટે અરજદારે રાજકોટ EOW માં અરજી કરી હતી.

8 મહિનાથી 4 થી 5 કલાક બેસાડી રાખી ધાક-ધમકી આપ્યાનો આક્ષેપ

ફરિયાદીનો ગંભીર આક્ષેપ છે કે, તપાસના નામે PSI અશ્વિન ગળચર અને ASI મલેક છેલ્લા 8 મહિનાથી તેમને પોલીસ સ્ટેશને બોલાવી રોજ 4 થી 5 કલાક સુધી બેસાડી રાખતા હતા. આટલું જ નહીં, બંને પોલીસ અધિકારીઓ ફરિયાદીને ધાક-ધમકી આપીને રૂ. 1.17 કરોડના બદલે માત્ર રૂ. 20 થી રૂ. 40 લાખમાં મેટર પતાવી દેવા સતત માનસિક દબાણ કરી રહ્યા હતા.

વચેટિયાની સક્રિયતા અને CCTV તપાસવાની માગ

અરજદારે વધુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પોલીસ સ્ટેશનમાં હર્ષિત જાની નામનો વચેટિયો સક્રિય છે, જે પોલીસ વતી હવાલા પતાવવાના કામ કરે છે. અરજદારે દાવો કર્યો છે કે, જો EOW પોલીસ સ્ટેશનના છેલ્લા 8 મહિનાના CCTV ફૂટેજ ચકાસવામાં આવે તો સમગ્ર કાંડનું સત્ય બહાર આવી શકે તેમ છે. આ મામલે હવે પોલીસ કમિશનર દ્વારા કેવા કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


આ પણ વાંચો - Rajkot News: વાલીઓ માટે ચિંતાજનક ઘટના! 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએકટને કારણે અવસાન