રાજકોટના આજી જીઆઇડીસી વિસ્તારમાં સોના-ચાંદીના જાણીતા કારખાના તન્વી ગોલ્ડના 55 વર્ષીય મેનેજર લાલજીભાઈ લવજીભાઈ સરધારા પર કારમાં આવેલા ચાર સશસ્ત્ર લૂંટારુઓએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કરી કરપીણ હત્યા નીપજાવી હતી.લૂંટારુઓ વેપારી પાસેથી રૂ.1.65 કરોડની કિંમતનું 1 કિલો સોનું અને 3 કિલો ચાંદી ભરેલી બેગ આંચકીને કારમાં ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી છે. મૂળ સોનીબજારમાં રોલપ્રેસથી શરૂ થયેલી તન્વી ગોલ્ડ પેઢીની આજી જીઆઈડીસી ફેક્ટરીમાંથી મેનેજર લાલજીભાઈ દાગીના ભરેલી બેગ સાથે પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘાત લગાવીને બેઠેલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. તેમણે પહેલા હવામાં અને બાદમાં સીધું લાલજીભાઈની છાતી અને ખભા વચ્ચે ગોળી ધરબી દીધી હતી.ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર સહિત ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો 

સીસીટીવી ફૂટેજની તપાસમાં લૂંટારુઓ ગ્રીનલેન્ડ ચોકડી તરફ નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે.આયોજનબદ્ધ લૂંટ પાછળ સ્થાનિક ભેજાબાજની રેકી હોવાની આશંકા વચ્ચે પોલીસે શહેરના એક્ઝિટ પોઇન્ટ્સ સીલ કરી નાકાબંધી સાથે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સોના-ચાંદીની લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં ગણતરીના કલાકોમાં જ લૂંટ વિથ મર્ડરની આ ઘટનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ લૂંટની ઘટનાને અંજામ આપનાર કોઈ બહારના શખ્સો નહીં પરંતુ ખુદ કંપનીના જ કર્મચારીઓ હતા.જેમણે અંદરથી ટીપ આપીને આ કાવતરું રચ્યું હતું.

મુખ્ય ચાર લૂંટારૂઓ સહિત મદદગારી કરનારની ધરપકડ

આ સનસનાટીભર્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મોટી કાર્યવાહી કરીને મુખ્ય ચાર લૂંટારૂઓ સહિત મદદગારી કરનાર તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચારેક લૂંટારૂઓને ગુજરાતમાંથી જ્યારે અન્ય લૂંટારૂઓને રાજ્ય બહારથી પકડી પાડવામાં આવ્યા છે.જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ઉદયપુર સુધી ધામા નાખીને લૂંટારૂ ગેંગને દબોચી લીધી છે અને લૂંટમાં ગયેલો સોના-ચાંદીનો તમામ મુદ્દામાલ સંપૂર્ણપણે રિકવર કરી લીધો છે.સોની બજારના અગ્રણ્ય સોના-ચાંદીના વેપારીની સમી સાંજે ગોળી મારી લૂંટ વીથ મર્ડરની ઘટનાથી રાજકોટના સોનીબજારના વેપારીઓમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. 

આ પણ વાંચોઃ