રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને રોષે ભરાયેલા કિસ્સો સામે આવ્યો છે. જેતપુરથી ચારણ સમઢીયાળા પોતાના ઘરે જઈ રહેલા 37 વર્ષીય યુવક વિપુલભાઈ પરમારને ભીડભંજન રોડ પર પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે અડફેટે લીધા હતા. ડમ્પરની જોરદાર ટક્કર વાગવાથી બાઈક ચાલક વિપુલભાઈ રસ્તા પર પછડાયા હતા, જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
108 અને 112ની કામગીરી સામે પરિવારજનોના ગંભીર આક્ષેપ
અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવ્યા છતાં સમયસર સારવાર ન મળ્યાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ અને 112 ની ટીમ પહોંચી જવા છતાં અંદાજે એક કલાક સુધી ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં કે સમયસર પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હતી. બાદમાં જ્યારે તેમને સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. યુવકનું અકાળે અવસાન થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

