ખેડૂતોને ઓછા વ્યાજે લોન અપાવવાની લાલચ આપી તેમની ખેતીની જમીનના દસ્તાવેજો અને સાટાખત કરાવી લેવાના ચકચારી કૌભાંડનો રાજકોટ ગ્રામ્ય પોલીસે સફાળો પર્દાફાશ કર્યો છે. પડધરી અને ગોંડલ તાલુકા સહિત નોંધાયેલા ગુનાઓની સંયુક્ત તપાસ માટે રચાયેલી SITની તપાસમાં અત્યાર સુધીમાં આશરે 130 વિઘા જમીન, જેની અંદાજિત બજાર કિંમત 43.53 કરોડ હોવાનું પોલીસનું કહેવું છે, તેના દસ્તાવેજો સંબંધિત વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ જમીનો પેટે ખેડૂતોને કુલ મળીને માત્ર આશરે 2.15 કરોડ ચૂકવી દસ્તાવેજો અથવા સાટાખત કરાવ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કુખ્યાત આરોપી અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીનો કબ્જો

રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા ફરિયાદ મામલે જેલમાં બંધ રહેલા અલ્પેશ દોંગાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેના સાથીદાર અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલની પૂછપરછ દરમિયાન રાજકોટના નાનામૌવા રોડ, શાસ્ત્રીનગર-અજમેરા સોસાયટીની સામે આવેલા બિઝનેસ ટર્મિનલ એપાર્ટમેન્ટની ચોથા માળની ઓફિસ નં. 402માં તપાસ કરવામાં આવી હતી. અહીંથી જમીન સંબંધિત અન્ય દસ્તાવેજો અને સાટાખત મળી કુલ 152 જેટલા જમીનના દસ્તાવેજોની નકલો મળી આવી હતી. SITએ આ દસ્તાવેજો તપાસના કામે કબજે કર્યા છે.

ગુનાઓનો વ્યાપ અને વધતી ફરિયાદો

પોલીસ હવે આ દસ્તાવેજો કયા ખેડૂતોના છે? કઈ જમીન અંગે વ્યવહાર થયો હતો? કેટલી રકમ ચૂકવાઈ હતી અને દસ્તાવેજો કઈ રીતે કરવામાં આવ્યા હતા તેની તપાસ કરી રહી છે. અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરીની ટોળકી સામે અગાઉ કુલ 12 ગુનાઓ નોંધાયા હતા. આ ઉપરાંત પડધરીમાં 1, ગોંડલ તાલુકામાં 1 અને જામનગર જિલ્લાના કાલાવડમાં 2 ગુનાઓ નોંધાયા છે. SIT સમક્ષ અત્યાર સુધીમાં વધુ 7 અરજદારો સંપર્ક કરી રજૂઆતો કરી ચૂક્યા છે. જે બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં અલ્પેશ વિરુદ્ધ રાજકોટ શહેરમાં 7, રાજકોટ ગ્રામ્યમાં 7 અને જામનગરમાં 2 ગુના દાખલ થયા છે, જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 4 અને શહેરમાં 4 ગુના દાખલ થવાની પ્રોસેસ શરૂ છે.

Rajkot News: Alpesh Donga and Accomplice Arrested in 43 Crore Land Scam

કોલ સેન્ટર અને 'બાલાજી લોન'નું નેટવર્ક

SITની તપાસમાં આરોપીઓ દ્વારા 'બાલાજી લોન', 'ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ', 'શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ' અને 'પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ' જેવા નામોથી લોન સંબંધિત પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સાથે સંકળાયેલા કોલ સેન્ટરોના ટેલિકોલરો સોશિયલ મીડિયા પર પોસ્ટનું બૂસ્ટિંગ કરી સંભવિત ગ્રાહકો સુધી પહોંચતા હોવાની પણ તપાસ ચાલી રહી છે. ખેડૂતોને ઓછા વ્યાજે નાણાં આપવાની ઓફર કરવામાં આવતી અને ત્યારબાદ સાટાખતના નામે ખેડૂતની જમીનનો વેચાણ દસ્તાવેજ અન્ય વ્યક્તિના નામે કરાવી લેવામાં આવતો હતો.

ધાર્મિક કાર્યક્રમોની આડમાં ઈમેજ મેકઓવરનું કાવતરું

તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા 'ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ'ના નામનો ઉપયોગ કરી સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો મારફતે ગુડવિલ ઊભી કરવાનો પ્રયાસ થયો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ ભાવનગર અને સુરતમાં ભગવદ્ ગીતા સંબધિત કાર્યક્રમો યોજાયા હતા. તેમજ આગામી 20 ડિસેમ્બર 2026ના રોજ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં 25,000 જેટલી ગીતા નામની મહિલાઓને એકત્રિત કરીને ભગવત ગીતા સંદર્ભે કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉ રાજકોટ અને અમદાવાદ ખાતે ઝડપાયેલા કોલ સેન્ટર ખાતેથી 4800 જેટલી ગીતા નામની મહિલાઓનો ડેટા પણ મળી આવ્યો હતો.

પોલીસની જનતાને ખાસ અપીલ

રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતો અને જાહેર જનતાને અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિને ઉપરોક્ત નામોથી લોન માટે ફોન આવ્યો હોય, અથવા આરોપીઓ સાથે લોન કે જમીનનો વ્યવહાર કર્યા બાદ પોતે છેતરાયા હોવાનું જણાય, તો કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા રાજકોટ ગ્રામ્ય સાયબર પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત SITનો સંપર્ક કરવો. પોલીસનું કહેવું છે કે વધુ ફરિયાદો અને અરજીઓ મળવાથી આ કથિત નાણાકીય અને જમીન વ્યવહારોની સંપૂર્ણ કડી બહાર લાવવામાં મદદ મળી શકે છે.


આ પણ વાંચો: Rajkot: સાટાખતના નામે દસ્તાવેજ કરાવી ખેડૂતોને કંગાળ બનાવ્યા! અલ્પેશ દોંગા ટોળકી સામે વધુ 8 ગુના નોંધવાની તજવીજ તેજ