રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલનો મામલો સતત ગરમાઈ રહ્યો છે. પોલીસ કાર્યવાહી બાદ હવે ઝડપાયેલા ધનાઢ્ય બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નબીરાઓને પોલીસ સકંજામાંથી મુક્ત કરાવવા તેમજ જામીન અપાવવા માટે પડદા પાછળ જોરદાર લોબિંગ અને દોડધામ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ આ મહેફિલમાં સામેલ લોકોના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. હજી સુધી આ ઘટનામાં મહિલાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પાર્ટીમાં સામેલ લોકોના મેડિકલ રિપોર્ટની રાહ
આ ઘટનામાં પાર્ટીમાં સામેલ લોકોના મેડિકલ રિપોર્ટની રાહ દેખાઈ રહી છે. સમગ્ર ઘટનામાં સામેલ મહિલાઓ સામે હજી પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. દારુ ક્યાંથી આવ્યો તેને લઈને પોલીસ અજાણ છે. મહેફિલ કાંડમાં ઝડપાયેલા તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવાયા છે. જ્યારે હોટેલ સામે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયાં છે. ભાજપના નેતાએ એક પોસ્ટ કરીને રોષ ઠાલવ્યો છે. આ પોસ્ટને કારણે હોબાળો પણ મચી જવા પામ્યો છે. મહેશ લુણાગરિયાએ એક પોસ્ટ કરીને આખું વર્ષ તોડ ન કરવા પડે તેમ કહી પોલીસને ભરપૂર રૂપિયા લઈ લેવા અનુરોધ કર્યો છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ આરોપીઓને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ?
સામાન્ય નાગરિક કે શ્રમિક દારૂની સામાન્ય બોટલ સાથે ઝડપાય તો પોલીસ તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી ફોટો-વીડિયો વાયરલ કરતી હોય છે.આ કેસમાં શાસક પક્ષ ભાજપના ધારાસભ્યના સગા ભાઈનું નામ આવતાં જ પોલીસ પર ઉચ્ચ સ્તરેથી દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.શું પોલીસ મનીષ વરમોરાની કાયદેસર ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરશે કે પછી માત્ર 169 મુજબ નોટિસ આપીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થશે, તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
રાજકીય દબાણ હેઠળ તપાસ ફાઈલોમાં જ દબાઈ જશે?
હોટેલ સરાઝામાં યોજાયેલી મહેફિલમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત 75 થી વધુ લોકો સામેલ હતા. આ કાંડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાઈ અને વરમોરા ગ્રેનિટોના એમડી મનીષ વરમોરાનું નામ પણ મહેફિલમાં સામે આવ્યું.પોલીસે આ મામલે 38 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું સત્તાધારી પક્ષના ધારાસભ્યના ભાઈ સામે કાયદો એ જ કડકાઈથી કામ કરશે જે સામાન્ય નાગરિક સામે કરે છે? કે પછી રાજકીય દબાણ હેઠળ તપાસ ફાઈલોમાં જ દબાઈ જશે?
આ પણ વાંચોઃ Rajkot: સરાઝા હોટલમાં દારૂ-હુક્કાની હાઈપ્રોફાઈલ મહેફિલ; બર્થ-ડે પાર્ટીમાંથી 33 મહિલા-43 પુરુષ ઝડપાયા, લાઈટો બંધ કરી મોં છુપાવવા કપડાં અપાયા!