રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાના અચાનક આપઘાતથી પરિવારજનો આઘાતમા સરી પડ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાગીના પર લોન લઈને રૂ. 2 લાખ ઓનલાઈન ગુમાવ્યા

બનાવ અંગેની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક પરિણીતાએ પોતાના સોના-ચાંદીના દાગીના ગિરવે મૂકીને લોન મેળવી હતી. આ લોનમાંથી રૂ. 2 લાખ જેટલી માતબર રકમ તેમણે ઓનલાઈન ગુમાવી દીધી હતી. પરિવારજનોની આશંકા મુજબ પરિણીતા સાયબર ક્રાઈમ અથવા ઓનલાઈન ઠગાઈનો ભોગ બની હતી, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ અને આઘાતમાં જીવી રહ્યા હતા.

નાણાં ગુમાવ્યાના આઘાતમાં ભર્યું ખોફનાક પગલું

ઓનલાઈન ફ્રોડમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ પરિવાર સામે મોઢું બતાવવામાં કે આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં અસમર્થ અનુભવતા પરિણીતાએ અંતે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાની સાથે સાથે મૃતકના મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. આ કેસમાં કઈ ઓનલાઈન સાઈટ કે સાયબર ફ્રોડ દ્વારા નાણાં ઓળવી લેવાયા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : 9 August Top News: 9 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ