રાજકોટ શહેરના ધમધમતા અને સંવેદનશીલ ગણાતા વેપારી વિસ્તાર એટલે કે સોની બજારમાં અસામાજિક તત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. દિવાળીના તહેવારોની ખરીદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જ કુખ્યાત હર્ષદ મહાજન ગેંગ નો ત્રાસ સામે આવતા વેપારીઓમાં ભારે રોષ અને ડરનો માહોલ છવાયો છે. તહેવારની મોસમમાં વેપાર-ધંધા પર અસર પડે તે રીતે આ અસામાજિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે, જેના કારણે સોની બજારના વેપારીઓમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ સતાવી રહી છે.
CP જ્વેલર્સ સહિત 3 વેપારીઓ સાથે માથાકૂટ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કુખ્યાત ગેંગના શખ્સોએ સોની બજારમાં આવેલા CP જ્વેલર્સ અને તેની આસપાસના અન્ય ૩ જેટલા વેપારીઓ સાથે ગેરવર્તણૂક અને માથાકૂટ કરી હતી. વાત અહીં જ ન અટકતા, લુખ્ખાગીરી પર ઉતરેલા આ શખ્સોએ દુકાનોના નામના બોર્ડ લોખંડના પાઇપ મારીને તોડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. એટલું જ નહીં, બજારમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોની પણ છેડતી કરવાના બનાવો બનતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
