ગુજરાતના જાણીતા વ્યાપારી હબ અને રાજકોટના સોની બજારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને મોટા કદની છેતરપિંડીની ઘટના સામે આવી છે. સોની બજારમાં વેપાર કરતા જતીનભાઈ રમેશભાઈ નામના વેપારી સાથે વિશ્વાસઘાત અને કરોડોની ઠગાઈનો બનાવ બનતા સમગ્ર જ્વેલર્સ એસોસિએશનમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ભોગ બનનાર વેપારી દ્વારા રાજકોટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન માં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં હસમુખભાઈ શાંતિલાલ લોઢીયા નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
રૂ. 7 કરોડથી વધુની મત્તા સાથે આરોપી ફરાર
આ કેસની વિગતો આપતા ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી હસમુખભાઈ લોઢીયા દ્વારા ફરિયાદી વેપારી પાસેથી અલગ-અલગ વ્યક્તિઓને મોકલીને કુલ ચાર કિલો જેટલું સોનું મંગાવીને મેળવી લેવામાં આવ્યું હતું. માત્ર ફરિયાદી જ નહીં, પરંતુ રાજકોટ સોની બજારના અન્ય ત્રણ સોની વેપારીઓ પાસેથી પણ વિશ્વાસમાં લઈને સોનું મેળવવામાં આવ્યું હતું. આમ, આરોપી કુલ રૂ. 7 કરોડથી વધુની કિંમતનું સોનું લઈને રફુચક્કર થઈ ગયો છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા પ્રસર્યા છે.
