રાજકોટમાં ઇન્ડિયન એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને યુવતી સાથે રૂ.1.95 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપીએ Instagram પર પોતાની ઓળખ એરફોર્સના વિંગ કમાન્ડર તરીકે આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. નોકરી અપાવવાની ખાતરી આપી અલગ-અલગ રીતે પૈસા પડાવ્યા બાદ નોકરી ન મળતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ યુનિવર્સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
Instagram પર એરફોર્સ અધિકારી હોવાનો દાવો
જામનગર રોડ વિસ્તારમાં રહેતી અને ગાંધીનગરની ખાનગી કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરતી યુવતી Instagram પર ‘પ્રતિક 7539’ નામની IDને ફોલો કરતી હતી. ગત 17 મેના રોજ પ્રતિકે યુવતીને મેસેજ કર્યો હતો.
સૂર્યકિરણ ટીમની ફ્લાઈંગ બ્રાન્ચમાં વિંગ કમાન્ડર
મેસેજ દરમિયાન આરોપીએ પોતાની ઓળખ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમની ફ્લાઈંગ બ્રાન્ચમાં વિંગ કમાન્ડર તરીકે કર્ણાટકમાં ફરજ બજાવતા હોવાની આપી હતી. યુવતીને એરફોર્સમાં નોકરી કરવાની ઈચ્છા હોવાનું જાણી આરોપીએ નોકરી અપાવવાની ખાતરી આપી હતી.
નોકરીના નામે રૂ.1.95 લાખની વસૂલાત
આરોપીએ પૈસાની લેવડદેવડથી નોકરી અપાવી શકાય તેમ જણાવી યુવતી પાસેથી અલગ-અલગ રીતે કુલ રૂ.1.95 લાખ પડાવી લીધા હતા. જોકે, રકમ મેળવ્યા બાદ પણ નોકરી અપાવવામાં આવી નહોતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બે મોબાઇલ ફોન કબજે, વધુ તપાસ શરૂ
ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી શાંતિનિકેતન પાર્ક-4, મેઈન રોડ પર ભાડાના મકાનમાં રહેતા પ્રતિક મહેશભાઈ ભારદ્વાજની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.
પોલીસની ઉંડી તપાસ શરુ
હાલ પોલીસ આરોપીએ મેળવેલી રકમનો ઉપયોગ ક્યાં કર્યો, Instagram મારફતે અન્ય યુવતીઓ કે લોકોનો સંપર્ક કર્યો હતો કે કેમ અને નોકરીના નામે અન્ય કોઈ સાથે પણ આવી જ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’