સૌરાષ્ટ્રભરમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ પર ભરોસો મૂકીને આવે છે, પરંતુ અહીં દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓને પીરસવામાં આવતા દાળ-ભાતમાં જીવડા અને જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. આ અંગેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દર્દીઓના સ્વજનો અને નગરજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. સ્વાસ્થ્ય સુધારવા માટે આવતા દર્દીઓને જો આવું અશુદ્ધ અને જોખમી ભોજન આપવામાં આવે તો તેમની સ્થિતિ વધુ વણસી શકે છે.
સંદેશ ન્યુઝનું રિયાલિટી ચેક, કિચનમાં જોવા મળ્યા સડેલા બટેકા
આ ગંભીર મામલાની સત્યતા તપાસવા માટે 'સંદેશ ન્યુઝ' દ્વારા હોસ્પિટલના રસોડા (કિચન)નું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કિચનની અંદર અત્યંત નબળી સ્વચ્છતા અને ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા હતા. રસોડામાં દર્દીઓ માટે બનતા ભોજનમાં ઉપયોગમાં લેવાતા બટેકા પણ સડેલા હાલતમાં મળી આવ્યા હતા. અસ્વચ્છ વાતાવરણ અને બેદરકારીભરી રસોઈ પદ્ધતિના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવાનું આ રિયાલિટી ચેકમાં સ્પષ્ટપણે બહાર આવ્યું છે.
