રાજકોટમાં ગત 27 જુલાઈના રોજ લોહાણા પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત કેસમાં પોલીસે અંતે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો છે. નિશિત ખખ્ખર, તેમના પિતા દિલીપભાઈ અને માતા સ્મિતાબેન ખખ્ખરે વ્યાજખોરના અનહદ ત્રાસ અને સતત મળતી ધાકધમકીઓથી કંટાળીને પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ કાળજું કંપાવનારી ઘટના બાદ મૃતકના કૌટુંબિક ભત્રીજા ભાવિન ખખ્ખરે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

રૂ.1 લાખ સામે રૂ.22 લાખ ચૂકવ્યા છતાં અવિરત ધમકીઓ

મૃતકના કૌટુંબિક ભત્રીજા ભાવિન ખખ્ખરે ‘સંદેશ ન્યૂઝ’ સાથેની ખાસ વાતચીતમાં સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સંદીપ લખતરીયા નામના કહેવાતા મીડિયા કર્મચારી અને વ્યાજખોરે તેમના પરિવારને ભારે માનસિક યાતના આપી હતી. નિશિતે કથિત રીતે રૂ.1 લાખના બદલામાં અગાઉ જ રૂ.22 લાખ જેટલી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપી બે સોનાની વીંટી અને વધુ નાણાંની માંગણી કરીને સતત ધમકાવતો હતો. આ અસહ્ય ટોર્ચરથી કંટાળીને પરિવારે આત્યંતિક પગલું ભર્યું હતું.

સમાજમાં દાખલો બેસે તેવા કડક પગલાંની માંગ

વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈને એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોએ જીવ ગુમાવવો પડતાં સમગ્ર લોહાણા સમાજ અને રાજકોટ શહેરમાં ઘેરા શોકની સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પીડિત પરિવારે માગણી કરી છે કે આવા નિર્દયી વ્યાજખોરો સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સમાજમાં દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ અન્ય પરિવાર વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનીને આ રીતે બરબાદ ન થાય.

આ પણ વાંચો : Suratમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ! MP ના પુત્ર સાથે રૂ.76.44 લાખની દગાખોરી કરનાર મેવાવાલા દંપતી સામે ફરિયાદ દાખલ