રાજકોટ શહેરમાં વ્યાજખોરોના આતંકથી કંટાળીને એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
નાના પુત્ર નિશિતે અનેક લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ પરિવાર ભારે આર્થિક સંકટમાં ફસાયેલો હતો. મૃતક પિતા દિલીપભાઈ ખખ્ખર PWDમાં નિવૃત્ત ક્લાર્ક હતા. આ પરિવારના મોટા દીકરાનું 2018માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમના નાના પુત્ર નિશિતે અનેક લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા, જેના કારણે પરિવાર પર મોટું દેણું થઈ ગયું હતું. હાલમાં પોલીસ દ્વારા આ ઉધાર પૈસાની લેવડ-દેવડ અંગેની વિગતો મેળવીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે.
વ્યાજખોરોના સતત ત્રાસથી અંતિમ પગલું ભર્યું
આ ગોઝારી ઘટનામાં પત્ની સ્મિતાબેન ખખર, પતિ દિલીપભાઈ ખખર અને પુત્ર નિશ્ચિત ખખરનું મોત નીપજ્યું છે. વ્યાજખોરોના સતત માનસિક ત્રાસ અને આતંકના લીધે પરિવારે આ આકરું પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોના અકાળે અવસાનથી લોહાણા સમાજમાં ઘેરા શોકની સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
લોહાણા સમાજ હોસ્પિટલમાં ઉમટી પડ્યો
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ અને સભ્યો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. સમાજના લોકોએ આ મામલે વ્યાજખોરો સામે દાખલારૂપ અને સખતમાં સખત કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.
તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા માગ
સ્થાનિક પોલીસની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરતા સમાજના અગ્રણીઓએ માગ કરી છે કે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ સ્થાનિક પોલીસને બદલે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે. આ સાથે જ લોહાણા સમાજે એ પણ ચીમકી આપી છે કે જો વ્યાજખોરો સામે તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?
