રાજકોટ રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગમાંથી કરોડો રૂપિયાની કરચોરી કે અન્ય ગેરરીતિની આશંકા સાથે શંકાસ્પદ પિત્તળનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તમિલનાડુના કોઇમ્બતુરથી ટ્રેન મારફતે મોકલવામાં આવેલો આશરે 7 હજાર કિલોગ્રામ પિત્તળનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 42.26 લાખ આંકવામાં આવી રહી છે.
ટ્રેન દ્વારા પિત્તળ પાર્સલ મારફતે રાજકોટ લાવવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, કોઇમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન દ્વારા આ વિપુલ પ્રમાણમાં પિત્તળ પાર્સલ મારફતે રાજકોટ લાવવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં પિત્તળનો જથ્થો આવ્યા બાદ તેના બિલો, જીએસટી દસ્તાવેજો અને મોકલનાર તથા મેળવનારની વિગતો અંગે શંકા ઉપજતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સમગ્ર મામલે જીએસટી ચોરી, બેનામી વ્યવહાર કે અન્ય કોઈ ગેરરીતિ છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
