રાજકોટ શહેરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અચાનક સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાણીપીણીના કુલ 39 જેટલા ધંધાર્થીઓને ત્યાં ત્રાટકીને આરોગ્ય નિરીક્ષકોએ ખોરાકની ગુણવત્તા, સંગ્રહ અને બનાવટની પદ્ધતિઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધર્યું હતું. મનપાની આ આકસ્મિક કાર્યવાહીથી અશુદ્ધ કે અસ્વચ્છ ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
60 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 10 વેપારીઓને નોટિસ અને દંડ
ચકાસણી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને અનેક સ્થળોએ ભારે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી. ટીમે સ્થળ પર જ માનવ આરોગ્ય માટે હાનિકારક એવા 60 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીના જથ્થાને જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કર્યો હતો. આ ઉપરાંત હાઇજેનિક પરિસ્થિતિ ન જાળવવા તથા માન્ય લાઇસન્સ વગર વેપાર કરવા બદલ 10 ધંધાર્થીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ.7,500 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
