રાજકોટમાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ગામ તરફ જવાના રસ્તેથી રૂ. 1 કરોડથી વધુની કિંમતનો વિશાળ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે સંયુક્ત પોલીસ કમિશનર (JCP) ચૈતન્ય માંડલિક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઓપરેશનની વિગતો જાહેર કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થવાનો હોવાની બાતમી

મળતી માહિતી મુજબ, ઓરિસ્સાથી ટ્રક મારફતે સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે બામણબોર પાસેથી વોચ ગોઠવીને ટ્રકને ઝડપી લીધી હતી. 

બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા

આ કાર્યવાહી દરમિયાન પોલીસે મહમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધિ નામના બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે રમીઝ ઉર્ફે માયો દ્વારા આ બંને આરોપીઓને ટ્રક દીઠ 20 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ગાંજાનો જથ્થો અમિત ઉર્ફે ગુરખો દ્વારા પૂરો પાડવામાં આવ્યો

પોલીસ પૂછપરછમાં એ પણ ખુલાસો થયો છે કે ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો અમિત ઉર્ફે ગુરખો દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1.50 કરોડ રૂપિયાથી વધુની મિલકત જપ્ત કરી છે. આરોપીઓ આ પ્રતિબંધિત નશીલો પદાર્થ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાના હતા.

સમગ્ર નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના 

મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે ગુરખો ઝડપાયા બાદ નાણાકીય લેતીદેતી અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે. આ ગંભીર મામલાની આગામી તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સૌરાષ્ટ્રમાં કોણ-કોણ આ ગાંજો ખરીદતું હતું અને કયા-કયા શખ્સોને તેનું વેચાણ કરવામાં આવતું હતું. 


 આ પણ વાંચો   :    PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?