ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવતા પોલીસ બેડા અને શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકોટના 'ઇવેન્ટ ફ્લિક્સ' (Event Flix) નામના ખાનગી થિયેટરમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને DCP ઝોન-2 (DCP Zone 2) દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સ્થાનિક યુનિવર્સિટી પોલીસ (University Police) ને બદલે આ સમગ્ર કેસની તપાસ LCB-2 (Local Crime Branch) ને સોંપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
વીડિયો વાઇરલ થતા થિયેટર માલિક ઉતર્યો ભૂગર્ભમાં
ખાનગી થિયેટરમાં દારૂની પાર્ટીનો વીડિયો સામે આવતા જ પોલીસ કાર્યવાહીના ડરથી થિયેટર માલિક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. LCB-2 ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરીને થિયેટરના CCTV ફૂટેજ (CCTV Footage) કબ્જે કર્યા છે, જેથી પાર્ટીમાં સામેલ નબીરાઓ અને આયોજકોની ઓળખ થઈ શકે. આ દારૂની પાર્ટી કોણે યોજી હતી અને પ્રતિબંધિત દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
