રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની બાળકીનું ઉપરથી પડી જવાથી મોતના મામલામાં પોલીસ તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ બાળકીનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા છે અને બાળકીને ઉપરથી કોઈએ ધક્કો માર્યો હતો. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી.

બાળકીનું ઊંચાઈ પરથી નીચે પડી જવાથી મોત

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ઉધમસિંહ ટાઉનશીપમાં બે વર્ષની નિર્દોષ બાળકીનું ઊંચાઈ પરથી નીચે પડી જવાથી મોત નીપજ્યાની ચકચારી ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે બાળકીનું મોત અકસ્માતથી નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. 

કોઈ અજાણ્યા શખ્સે ધક્કો માર્યો

પોલીસની તપાસમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે બાળકીને ઉપરથી કોઈ અજાણ્યા શખ્સે ધક્કો માર્યો હતો. હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માતા અને બાળકી એક વર્ષથી પિયરમાં રિસામણે રહેતા હતા

આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ મૃતક બાળકીના માતા અને મામાએ મીડિયા સમક્ષ આવી સમગ્ર હકીકત વર્ણવી હતી. આ દરમિયાન બે વર્ષની બાળકીના માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમણે ભારે હૈયે જણાવ્યું હતું કે બાળકી અને પોતે છેલ્લા એક વર્ષથી પિયરમાં રિસામણે મામાના ઘરે રહેતા હતા. 

પતિ એક વર્ષથી બાળકીને મારી નાખીશ તેવી સતત ધમકી આપતો

મૃતક બાળકીની માતાએ પોતાના પતિ સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પતિ એક વર્ષથી બાળકીને મારી નાખીશ તેવી સતત ધમકી આપતો હતો. આ બનાવ બાદ માતાએ આક્રંદ સાથે ન્યાયની માંગ કરી છે. ટાઉનશીપમાં સીસીટીવી કેમેરા તો છે પરંતુ તે કનેક્ટ ન હોવાનું પણ સામે આવ્યું છે.

પાંચ દિવસથી પારી પરથી કંઈકને કંઈક વસ્તુ નીચે પડતી 

બીજી તરફ બાળકીના મામાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી પારી પરથી કંઈકને કંઈક વસ્તુ નીચે પડતી હતી અને છેલ્લા ઘણા દિવસથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કુંડા તેમજ કપડાં સહિતની વસ્તુઓ પણ બહાર નાખી દેવામાં આવતી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે બે વર્ષની નાની બાળકી ઊંચી પારી પરથી કૂદી ન શકે, જેથી કોઈએ તેને ઉપરથી ધક્કો માર્યો છે. 

પોલીસે લોકોના નિવેદન લેવાનું શરુ કર્યું

આ બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસની ટીમ તપાસ માટે પહોંચી છે અને આસપાસના લોકો સહિતના અનેક સ્થાનિક લોકોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી છે.  


આ પણ વાંચો    :   Amit Shahનો હૂંકાર, 2029માં પ્રચંડ હારનો સામનો કરવા તૈયાર રહે રાહુલ