રાજકોટ શહેરમાંથી એક અત્યંત શરમજનક અને સંવેદનશીલ ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરણ 11માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરા સાથે ગત નવરાત્રીના સમયગાળા દરમિયાન 22 વર્ષીય દીપ મિયાત્રા નામના યુવકનો પરિચય થયો હતો. આ ઓળખાણ અને મિત્રતાનો ગેરલાભ ઉઠાવીને યુવકે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
નવરાત્રી દરમિયાન થયેલી મિત્રતા બાદ શરૂ થયો ત્રાસ
પીડિત સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપી દીપ મિયાત્રા સગીરાના ગુપ્ત ફોટો અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરીને તે વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. આ ડર અને ધમકીના કારણે છેલ્લા એક વર્ષથી આરોપી સગીરાનું સતત શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યો હતો. આરોપીના આ ત્રાસથી કંટાળીને આખરે પરિવારે સગીરાનું ભણતર પણ બંધ કરાવી દીધું હતું.
