રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને ગેરકાયદેસર હથિયારોની હેરફેર રોકવા માટે એસઓજીની ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એસઓજી ગ્રામ્ય બ્રાન્ચને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે, આટકોટ પોલીસ મથકની હદમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે કોઈ મોટી વારદાતને અંજામ આપવા અથવા હથિયારની ડીલ કરવા માટે ઊભો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે તુરંત જ આટકોટ વિસ્તારમાં દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં ફરતા મહેશ ઉર્ફે મહાવીર નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.
બે પિસ્તોલ અને કારતૂસ જપ્ત
પોલીસે જ્યારે ઝડપાયેલા આરોપી મહેશ ઉર્ફે મહાવીરની અંગઝડતી અને તલાશી લીધી ત્યારે તેની પાસેથી ગેરકાયદેસર રાખેલી ૨ નંગ લોડેડ દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયાર અને કારતૂસનો આ મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની કડક પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મહેશ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે અને તે વિસ્તારમાં પોતાની ધાક જમાવવા અથવા કોઈ ગુનાને અંજામ આપવા આ હથિયારો લાવ્યો હતો.
