લાલચ બુરી બલા છે આ કહેવત મુજબ જે લોકો લોભ લાલચમાં પડે છે તે રૂપિયા ગુમાવતા હોય છે આવું જ કંઈક રાજકોટમાં બન્યું. રાજકોટના કેટલાક લોકોએ રોકાણ પર 5 ટકા વળતર મેળવવાની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે શું છે સમગ્ર હકીકત ચાલો જાણીએ આ અહેવાલમાં.
2017થી આ કંપની લોકોને 5% વળતર આપી રહી હતી
રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું છે. રીસેટ વેલ કંપનીના નામે ચાલી રહેલુ કૌભાંડ સામે આવ્યું છે. માસિક 4થી 5% રોકાણ ઉપર વળતર આપવાની લાલચ આપી લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. 2017થી આ કંપની લોકોને 5% વળતર આપી રહી હતી. ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી વળતર આપવાનું બંધ કરી લોકો સાથે છેતરપિંડી કરી હતી. સંજય માંગરોલિયા નામના શખ્સ દ્વારા સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
રોકાણકારો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પણ અરજી આપવામાં આવી
ગુજરાતી ફિલ્મ તેમજ ઓઈલ કંપનીમાં રોકાણ કરવાથી પ્રતિ માસ રોકાણના ચારથી પાંચ ટકા વળતર મળશે, તે પ્રકારની લાલચ રોકાણકારોને આપવામાં આવી હતી. થોડાક સમય માટે પ્રતિમાસ 4થી 5 ટકા જેટલું વળતર સમયસર આપીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ બાદમાં માસિક વળતર આપવાનું બંધ કરતાં રોકાણકારો દ્વારા પ્રથમ રાજકોટ ગ્રામ્યના મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ સ્વરૂપે અરજી આપવામાં આવી છે. જોકે હજુ સુધી પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં ન આવતા રોકાણકારો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પણ અરજી આપવામાં આવી છે.
22 જેટલા લોકો ભોગ બન્યા
અત્યાર સુધી છેતરપિંડીનો આંકડો સવા કરોડ આસપાસનો હોવાનું સામે આવ્યું છે. તેમજ 22 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તેમજ છેતરપિંડીનો આંકડો કેટલે પહોંચે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. કારણ કે આ છેતરપિંડી માત્ર રાજકોટ પૂરતી જ નથી, પરંતુ સૌરાષ્ટ્ર ભરના લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારે હાલ તો ભોગ બનનાર વ્યક્તિઓ રાજકોટ ગ્રામ્ય પોલીસ બાદ રાજકોટ શહેર પોલીસને રજૂઆત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો અને જિલ્લામાંથી ફરિયાદ થશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.









