રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન મોટી ગેરરીતિ સામે આવી છે. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર ગેરકાયદે એલોપેથિક પ્રેક્ટિસ ચલાવતા 3 શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા છે. આ બોગસ ડોક્ટર લોકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હતા.
ક્યા ગામોમાંથી પકડાયા બોગસ ડોક્ટર?
પોલીસની આ સઘન તપાસ દરમિયાન જસદણ તાલુકાના 3 અલગ-અલગ ગામોમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિ પકડાઈ હતી.
પકડાયેલા શખ્સો
- સંતોષકુમાર શંકરરામ બિહારી (રહે. કાળાસર ગામ)
- ચંદુભાઈ વાલજીભાઈ પલાળીયા (રહે. આંબરડી ગામ)
- અરવિંદભાઈ પ્રભુદાસ દેસાણી (રહે. લીલાપુર ગામ)
ઇન્જેક્શન અને બાટલા ચડાવી આચરતા ખેલ
આ ત્રણેય શખ્સો પાસે તબીબી ક્ષેત્રની કોઈ જ અધિકૃત ડિગ્રી ન હોવા છતાં તેઓ વર્ષોથી બીમાર દર્દીઓની ગેરકાયદે સારવાર કરતા હતા. ગામડાના ભોળા લોકોને સાજા કરવાના નામે આ શખ્સો દર્દીઓને હેવી ઇન્જેક્શનો આપતા અને બોટલ ચડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમની આ લાપરવાહીથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું હતું.
દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો કબજે
માહિતી મળતા જ જસદણ પોલીસે તાત્કાલિક દરોડા પાડીને આ ત્રણેય બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા. પોલીસની ટીમે સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઇન્જેક્શન, બાટલા, એલોપેથિક દવાઓ અને અન્ય મેડિકલ સાધનોનો જથ્થો કબ્જે કર્યો છે. આ તમામ સામગ્રી ગેરકાયદેસર રીતે રાખવામાં આવી હતી.

પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી
લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવાના આરોપસર જસદણ પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ અને આ દવાઓ ક્યાંથી લાવતા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot News: ભ્રષ્ટાચાર પર લાગશે પૂર્ણવિરામ! RMC કમિશનરનો મોટો નિર્ણય