સુરતના મોટા વરાછા વિસ્તારમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે.એપીક ઇનોવેશન LLP નામની પેઢી ખોલી ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણના નામે ઊંચું વળતર આપવાની લાલચ આપી સોલંકી પરિવારના પિતા-પુત્ર અને પુત્રી તથા એક ભાગીદારે સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૪ હરિભક્તોને ઝાંસો આપી રૂ.2.05 કરોડ પડાવી ઉઠમણું કર્યુ હતું.જે અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો.
ફોરેક્સ ટ્રેડિંગની સ્કીમ સમજાવી
મળતી વિગતો પ્રમાણે ડભોલી ચાર રસ્તા ખાતે સ્વામિનારાયણ નગરમાં રહેતા અનિલભાઈ રામજીભાઈ બલર ઓનલાઇન કપડાનો વેપાર કરે છે.તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે.તેઓ નિયમિત ડભોલી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે જતા હતા.મંદિરમાં અશોક મુળજી સોલંકી તેનો પુત્ર જય, પુત્રી જ્યોતિ પણ આવતા હોય પરિચય થયો હતો.સોલંકી પરિવાર મંદિરમાં હરિભક્તોને કાજુ-બદામની પ્રસાદી વહેંચી દેખાડો કરતા હતા.આ રીતે હરિભક્તોને પ્રભાવિત કહો કે આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હતા. માર્ચ 2024માં અશોક સોલંકી અને જય સોલંકીએ મંદિરમાં અનિલભાઈ સાથે વાતચીત કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ પોતાની એપક ઇનોવેશન LLP નામની ભાગીદારી પેઢી હોવાનું જણાવી તેઓ ફોરેક્સ ટ્રેડિંગની સ્કીમ સમજાવી હતી.
બે દિવસના રિમાન્ડ મેળવ્યા
ફોરેક્સમાં રોકાણ કરવાથી દર મહિને 4થી 5 ટકા વળતર આપવાની લાલચ આપી હતી.વેપારી અનિલ બલરની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે અશોક મુળજીભાઇ સોલંકી,તેનો પુત્ર જય, પુત્રી અને ભાગીદાર ઋષિ સુરેશભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.ઇકો સેલના પીઆઇ ચૌહાણે તપાસ કરી જય સોલંકી,તેની બહેન જ્યોતિની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મુખ્ય આરોપી અશોક સોલંકીને પણ મંગળવારે રાત્રે ભાવનગરથી ઊંચકી લેવાયો હતો.સોલંકી બાપ-બેટાએ મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરેડિયન બિઝનેસ સેન્ટર ખાતે નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અનિલ બલરને બોલાવી વિશ્વાસમાં લીધા હતા.અનિલ બલર ઉદ્ઘાટનમાં ગયા તો પેઢીના ભાગીદાર ઋષિ પટેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું.અહીં રોકાણની લોભામણી સ્કીમ સમજાવાઇ હતી.અનિલભાઇએ ટુકડે-ટુકડે કુલ 35 લાખનું રોકાણ કર્યુ હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા
શરૂઆતમાં વળતર પેટે થોડી રકમ આપી ભરોસો જીત્યા બાદ ભેજાબાજોએ પેઢીને તાળા મારી દીધા હતા અને રોકાણના નાણાં પરત કરવાને બદલે હાથ ઊંચા કરી વતન ભાગી ગયા હતા.ચકચારી આ કેસમાં ભાગીદાર ઋષિ પટેલ હજુ વોન્ટેડ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.સોલંકી પરિવારે લોભામણી સ્કીમ આપી 40થી 50 લોકોના 40 કરોડ ઓહિયા કર્યા હોવાની વાત છે.ભોગ બનનારા પીડિતોમાં વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે.થોડા દિવસો બાદ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર અનિલભાઈ જ નહીં, પરંતુ અન્ય 13 જેટલા રોકાણકારોએ પણ આ ઠગ ટોળકીની વાતોમાં આવીને લાખો રૂપિયા ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ ઇસનપુર પબ્લીક સ્કૂલમાં ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં સહપાઠીએ પરિકર માર્યું