શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ઘરેલુ ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના રાંદેરના શારદાનગર વિસ્તારમાં બની હતી.
રાંદેરમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
મૃતક યુવકની ઓળખ અજય દેવીપૂજક તરીકે થઈ છે. ઘટનાની વિગતો મુજબ, અજયનો મિત્ર અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ કંકાસ ચાલી રહ્યો હતો. આ ઝઘડાને શાંત કરાવવા માટે મિત્ર અને અજય દેવીપૂજક બંને સાથે મળીને મિત્રની પત્નીને મળવા અને સમજાવવા ગયા હતા.
મિત્રની પત્નીને સમજાવવા જતા યુવકની હત્યા
પરંતુ સમજાવટ દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો. ઉશ્કેરાયેલી પત્ની અને તેના ભાઈઓએ મળીને આ બંને યુવકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમણે ચપ્પુના ઘા ઝીંક્યા હતા. નિર્દોષ સમાધાનકર્તા અજય દેવીપૂજકને ચપ્પુના ગંભીર ઘા વાગતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.માત્ર મિત્રની હત્યા જ નહીં, પરંતુ ઝઘડાનો મૂળ કારણ એવા પતિને પણ હુમલાખોરોએ ચપ્પુના ઘા માર્યા હતા, જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસે હત્યાને લઇ વધુ તપાસ હાથ ધરી
આ ઘટના અંગે જાણ થતાં જ રાંદેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે હત્યા કરનાર પત્ની અને તેના ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી, હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘરેલુ ઝઘડામાં નિર્દોષ યુવકની હત્યાની આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.









