આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ બાદ ઈન્કમટેક્ષ વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.પ્રાથમિક તબક્કે આપ દ્વારા સુરતના રૂરલ વિસ્તારોમાં મતદારોને નાણાં વહેંચી પ્રભાવિત કરવાનો અને બાદમાં બબાલ કરવાનો પણ બદઇરાદો હોવાનો ખુલાસો થયો છે.આગામી દિવસોમાં આ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વર્ણવાઈ રહી છે. આકાશ મિશ્રા આમ આદમી પાર્ટીના નેતાઓના સંપર્કમાં હતો. પનીરના વેપારના નામે આખું કૌભાંડ ચાલતુ હતું. પોલીસે આકાશના મોબાઈલની તપાસ શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.
ઉમેદવારો માટે ફંડનો ઉપયોગ થતો હોવાની વાત ફેલાઈ
મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસને બાતમી મળી હતી કે,સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સુરતમાં આમ આદમી પાર્ટી માટે મોટું ફંડ દિલ્હીથી હવાલા મારફતે આવી રહ્યું છે.જે દિશામાં વર્કઆઉટ કરી ક્રાઈમ બ્રાંચે પીપલોદના પ્રગતિનગરમાં રહેતા આકાશ મિશ્રાને ઊંચકી લઈ પૂછપરછ કરી હતી.દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા આંગડિયામાં નાણાં મોકલતો હતો. છેલ્લા પાંચેક મહિનામાં મહિધરપુરામાં ભવાની વડ પાસેની અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં રૂ.1.25 કરોડ જેટલી રકમ પાહુજાએ મોકલી આપી હતી.આંગડિયામાં આ નાણાં લેવા આકાશ મિશ્રા અને અજય તિવારી જતો હતો.સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે અને મતદારોને રીઝવવા દિલ્હીથી મોકલાયેલા આ ફંડનો ઉપયોગ થયો હોવાની વાત ફેલાઇ હતી.
ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસમાં જોતરાયો
ફંડિંગ સિન્ડિકેટમાં આઠથી 10 જણા સામેલ છે.પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈ મુક્ત કરી દીધો હતો અને ઉમરા પોલીસમાં પણ જાણવા જોગ નોંધવામાં આવી હતી.દરમિયાન પોલીસે જે આંગડિયા પેઢીમાં 1.25 કરોડ દિલ્હીથી આવ્યા હતા, તે આંગડિયાના માલિકની પણ પૂછપરછ કરી હતી.આંગડિયામાં નાણાં લેવા જતા આકાશ મિશ્રા અને અજય તિવારીના સીસીટીવી ફૂટેજ ફરતે પણ તપાસ કેન્દ્રિત કરાઇ હતી. હવાલાની સિન્ડિકેટમાં આગામી દિવસામાં અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની પણ પૂછપરછ કરાશે. હિમાંશુ પાહુજા આપના મંત્રીનો ખાસ મનાય છે.વધુમાં કરોડોના નાણાંની હેરફેરમાં પોલીસની સાથોસાથ ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસમાં જોતરાયો છે.
આકાશ મિશ્રાના મોબાઈલની તપાસ શરૂ કરી
ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ પોલીસ પાસેથી આ કેસ સંબંધિત ટોપ ટુ બોટમ તમામ વિગતો મેળવી લીધી છે અને આઇટી વિભાગ ટૂંક સમયમાં મોટા ધડાકા કરે તેવી પણ વકી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીથી હવાલામાં આવતા નાણાં સુરતના ગામ્ય વિસ્તારોના મતદારોને વહેંચવાની ગેમ ગોઠવાઈ હતી.ગરીબ જરૂરિયાતમંદ મતદારોને નાણાંના જોરે પ્રભાવિત કરવા સાથે તેઓ થકી બબાલ કરાવવાનો પણ મનસૂબો હતો.પોલીસ અને આઈટી વિભાગ ઊંડાણપૂર્વક આ પ્રકરણની તપાસ કરી રહ્યું છે. સમગ્ર ખેલ પનીરના વેપારના નામે થતો હતો. પોલીસે આકાશ મિશ્રાના મોબાઈલની તપાસ શરૂ કરી છે. જેમાં મોટા માથાઓના ચહેરા પણ બેનકાબ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Dahod News: આભલોડ ગામમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ 400 લોકોને ખોરાકી ઝેરની અસર