સુરત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વધુ એક હિંસક લૂંટની ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી 'રામદેવ ટ્રેડર્સ' નામની પેઢીના એક કર્મચારી પાસેથી ત્રણ લૂંટારુઓ માર મારીને 8 લાખની રોકડ રકમ ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે, ઘટનાની ગંભીરતાને જોઈને એક્શનમાં આવેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ આખી ગેંગનો પર્દાફાશ કરી ત્રણેય લૂંટારુઓને જેલભેગા કરી દીધા છે.
ત્રણ લૂંટારુઓ માર મારીને 8 લાખ લૂંટીને ફરાર
મળતી વિગતો અનુસાર, ગોડાદરા વિસ્તારમાં આવેલી રામદેવ ટ્રેડર્સના કર્મચારી વહેલી સવારે જ્યારે રોજિંદી પ્રક્રિયા મુજબ દુકાન ખોલી રહ્યા હતા, બરાબર તે જ સમયે ટાર્ગેટ કરીને બેઠેલા ત્રણ લૂંટારુઓ ત્યાં ત્રાટક્યા હતા. આ લૂંટારુઓ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની ઓળખ છુપાવવા માટે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ (બાઇક) લઈને આવ્યા હતા. લૂંટારુઓએ કર્મચારીને ઘેરી લીધો હતો અને તેની સાથે ઝપાઝપી કરી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. કર્મચારી કશું સમજે તે પહેલાં જ તેના હાથમાંથી 8 લાખની રોકડ ભરેલી બેગ આંચકીને લૂંટારુઓ પૂરપાટ ઝડપે બાઇક પર ફરાર થઈ ગયા હતા.










