સુરતમાં સામાન્ય નાગરિકોને માનસિક દબાણમાં લાવીને કંગાળ કરી નાખતા ‘ડિજિટલ અરેસ્ટ’નો વધુ એક અત્યંત ચકચારી અને ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા અડાજણની એક મહિલાને સતત 21 દિવસ સુધી વીડિયો અને ઓડિયો કોલ પર વર્ચ્યુઅલી નજરકેદ રાખીને સાયબર માફિયાઓએ રૂપિયા 73 લાખની તોતિંગ રકમ પડાવી લીધી છે. ભોગ બનનાર મહિલાને નાસિક પોલીસ, મુંબઈ પોલીસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), રિઝર્વ બેંક (RBI), NIA અને છેક સુપ્રીમ કોર્ટના નામના બોગસ લેટરો અને અધિકારીઓના ઓળખકાર્ડ બતાવીને જેલમાં નાખવાની ધમકી આપી આ લૂંટ ચલાવવામાં આવી હતી. આખરે ઠગો સાથેનો સંપર્ક તૂટતાં પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થતાં મહિલાએ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે રચાઈ 21 દિવસની ભયાનક ષડયંત્ર જાળ?
મોટી તપાસ એજન્સીઓનો ખોટો રોફ: ઠગોએ મહિલાનો સંપર્ક કરીને તેમના આધાર કાર્ડ કે બેંક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ કે ગંભીર રાષ્ટ્રવિરોધી ગુનામાં થયો હોવાનો જૂઠો દાવો કર્યો હતો. નાસિક અને મુંબઈ પોલીસ ઉપરાંત ED, RBI અને સુપ્રીમ કોર્ટના વોરંટના નામે ખોટા દસ્તાવેજો મોકલી મહિલાને ગભરાવી દેવામાં આવી હતી. "આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને તપાસ અત્યંત ગુપ્ત છે, જો પરિવારના કોઈ સભ્યને વાત કરી તો આખો પરિવાર જેલમાં જશે" તેવી ગંભીર ધમકી આપી મહિલા પર સતત 21 દિવસ સુધી કેમેરા સામે હાજર રહેવાનું માનસિક દબાણ બનાવ્યું હતું.
